તરબૂચના રસમાં નેચરલ શુગર ભરપૂર માત્રામાં હોવાના કારણે ડાયાબિટીસની બીમારીથી પીડિત લોકોએ તેનું પ્રમાણસર સેવન કરવું જરૂરી છે. આ રસદાર ફળના બીજમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટેનાં અનેક રહસ્ય છુપાયેલા છે. નિષ્ણાંતો કહે છે કે, તરબૂચના બીજ કે, જેની અવગણવામાં આવે છે, તેમાં પુષ્કળ માત્રામાં પોષકતત્વો હોય છે જે હૃદય માટે લાભદાયી છે અને તમારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે.
ગોવાની મણિપાલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સબ્યસાચી મુખોપાધ્યાય કહે છે કે, “સામાન્ય રીતે મોટાભાગનાં ફળોનાં બીજ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે કારણ કે, તે અંકુરિત થઈને છોડ અને વૃક્ષોમાં પરિવર્તિત થાય છે.”
નિષ્ણાંતોના મતે તરબૂચના બીજમાં આયર્ન, ફાઇબર, પ્રોટીન અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ હોય છે. તે એન્ટીઑક્સિડન્ટ્સથી સમૃદ્ધ તો છે જ સાથે જ તેમાં વિટામિન-B,Cઅને E પણ હોય છે.
ડૉ. મુખોપાધ્યાય કહે છે કે, “આ બીજમાં હેલ્થી ઓમેગા -3 અને ઓમેગા -6 ફેટી એસિડ્સ હોય છે, જે હૃદયરોગ, હાયપર ટેન્શન, ડાયાબિટીસ, ઓટોઇમ્યુન રોગ અને રેનલ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપવા માટે ઔષધનું કામ કરે છે.” તેમાં કેલરી પણ ઓછી હોય છે એટલે વજન ઘટાડવા ઈચ્છતાં લોકો પણ તેને પોતાના ડાયટ પ્લાનમાં ઉમેરી શકે છે.
તરબૂચના બીજના સ્વાસ્થ્ય લાભ
ડૉ. મુખોપાધ્યાય સમજાવે છે કે, જ્યારે હેલ્ધી ડાયટના ભાગરૂપે તરબૂચના બીજનું સેવન કરવામાં આવે છે ત્યારે તે બીજ હાઈ બ્લડપ્રેશર તેમજ હાઈ બ્લડસુગર અને કૉલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં MUFA (મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ) અને PUFA (પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ) હોય છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને ઘટાડે છે. આ ઉપરાંત આ બીજમાં રહેલા મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ડાયટિશિયન અને 360 ડિગ્રી ન્યુટ્રીકેર (એક ઇ-ક્લિનિક)ના સ્થાપક દીપાલેખા બેનર્જી કહે છે કે, આ બીજમાં રહેલું એન્ટીઑક્સિડન્ટ્સ વાસોડિલેટર (તેઓ રક્તવાહિનીઓને પહોળી કરે છે અથવા ખોલે છે) તરીકે કામ કરે છે, જે હાઈ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તરબૂચના બીજમાં રહેલું આયર્ન, લોહીની ઑક્સિજન વહન ક્ષમતાને સુધારે છે, જ્યારે ઝિંક હૃદયમાં કેલ્શિયમનાં પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
હૈદરાબાદની કામિની હૉસ્પિટલ્સનાં સિનિયર એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. સંદીપ રેડ્ડી જણાવે છે કે, ટાઇપ – 2 ડાયાબિટીઝ ધરાવતા લોકોમાં હૃદયની બીમારી થવાનું જોખમ વધારે હોય છે. તરબૂચના બીજ ખાવાથી કૉલેસ્ટ્રોલના ઑક્સિડેશનને રોકવામાં તેમજ તેના સ્તરમાં સ્પાઇકને રોકવામાં મદદ મળે છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર જટિલતાઓના જોખમને ઘટાડે છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તરબૂચનાં બીજની ભૂમિકા શું છે ?
તરબૂચના બીજ લોહીમાં શુગરનાં લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેના કારણે તે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે નાસ્તાનો સારો વિકલ્પ બને છે. તે ઇસ્યુલિનની સંવેદનશીલતા (તમારા કોષો ઇન્સ્યુલિન પ્રત્યે કેટલા પ્રતિભાવશીલ છે)માં સુધારો કરવામાં મદદ કરે છે. બેનર્જી સમજાવે છે કે, મેગ્નેશિયમ કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જેથી લોહીમાં શુગરનાં સ્તરનું મેનેજમેન્ટ થાય છે. ડૉ. રેડ્ડી કહે છે, મેગ્નેશિયમ ઇન્સ્યુલિનના સ્ત્રોત અને કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમ માટે આવશ્યક માઈક્રો ન્યૂટ્રિઅન્ટ છે.
નિષ્ણાંતો કહે છે કે, ડાયાબિટિક લોકોએ તરબૂચ અને તેના બીજ બંનેનું સેવન કરવું જોઇએ. ડૉ. રેડ્ડી સમજાવે છે કે, તરબૂચમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે ત્યારે ગ્લાયકેમિક લોડ ( ખાધા પછી લોહીમાં ગ્લુકોઝના સ્તરમાં અપેક્ષિત વધારાનો અંદાજ) ઓછો છે અને તેમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે. જો કે, તેઓ ચેતવણી આપે છે કે વધારાની શુગર વાળા તરબૂચના રસના સેવનથી બચવું મહત્વપૂર્ણ છે.
ડાયટમાં તરબૂચના બીજ ઉમેરો
ડૉ. બેનર્જી સમજાવે છે કે, સફેદ અને કાળા બંને તરબૂચના બીજનું સેવન કરવું સલામત છે. આ ઉપરાંત ડૉ. રેડ્ડી કહે છે કે, આ બીજ માઈક્રો ન્યૂટ્રીઅન્ટથી સમૃદ્ધ છે જે સામાન્ય રીતે ચોખા, રોટલી અથવા શાકભાજી જેવા આપણા નિયમિત ખોરાકમાં હાજર હોતા નથી. તેથી, તે તમારા ડાયટમાં એક સારો ઉમેરો હોઈ શકે છે.
તમે તરબૂચના બીજને કાચા અથવા શેકીને ખાઈ શકો છો. તેને એકઠા કરીને સૂકવી શકવી એકવાર સૂકાઇ ગયા પછી આ બીજને સલાડ અને સેન્ડવિચમાં ઉમેરી શકાય છે અથવા ફક્ત બીજનો જ નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય છે.
યાદ રાખવા જેવા મુદ્દા :
• તરબૂચના બીજમાં ખનિજ અને એન્ટીઑક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે કાર્ડિયો વાસ્ક્યુલર કંડિશન, હાયપર ટેન્શન, ડાયાબિટીસ, મૂત્રપિંડ સંબંધિત સમસ્યાઓ અને ઑબેસિટી જેવી સમસ્યાઓ ધરાવતા લોકો માટે લાભદાયક છે.
• આ બીજમાં રહેલા મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલું આયર્ન લોહીની ઑક્સિજન – વહનની ક્ષમતામાં સુધારો કરે છે, જ્યારે ઝિંક હૃદયમાં કેલ્શિયમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
• ઇસ્યુલિન રેઝીઝસ્ટન્સમાં સુધારો કરવા ઉપરાંત આ બીજ કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમની ક્રિયાને પણ નિયંત્રિત કરે છે, જેથી લોહીમાં શુગરનાં સ્તરનું નિયંત્રણ થાય છે.
• નાસ્તા તરીકે તરબૂચના બીજ ખાઈ શકાય છે. આ ઉપરાંત, તેને સૂકવીને સલાડ અને સેન્ડવિચમાં ઉમેરી શકાય છે.