628 હજાર ટન! આ ઇન્સ્ટન્ટ નૂડલ્સનું કુલ વજન છે કે, જે ભારતીયોએ વર્ષ 2021માં સેવન કર્યું હતું. તે વર્ષે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) પાછળ કુલ 2,535 અબજ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે અગાઉના વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ કરતા 267 અબજ રૂપિયા વધુ છે. છેલ્લા દાયકામાં ભારતમાં UPFનાં વપરાશમાં ધરખમ વધારો થયો છે, જેને દેશમાં ડાયાબિટીસ અને કાર્ડિયો વેસ્ક્યુલર કંડિશનના વધતા પ્રમાણના મુખ્ય કારણોમાંથી એક કારણ ગણવામાં આવી રહ્યું છે.
બેંગ્લોરના મિલર્સ રોડ પર આવેલી મણિપાલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન અને ડાયાબિટોલોજીસ્ટ ડૉ. પ્રમોદ વી સત્યા કહે છે કે, ‘પ્રોસેસ્ડ ફૂડનું ખાવું એ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેક પ્રકારની પરિસ્થિતિઓ માટે જવાબદાર મુખ્ય પરિબળોમાંથી એક છે, જેમાં મુખ્યત્વે ચેપી ન હોય તેવી સમસ્યાઓ જેવી કે ડાયાબિટીસ અને કાર્ડિયોવેસ્ક્યુલર કંડિશન્સનો સમાવેશ થાય છે.’
વર્ષ 2011થી 2021 દરમિયાન દેશમાં UPFના વપરાશના વલણ પર ઑગસ્ટ 2023માં પ્રકાશિત WHO-ICRIER (ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઑન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ)નો અહેવાલ સૂચવે છે કે, વર્ષ 2019માં પેન્ડેમિક લોકડાઉન પછી લોકોમાં બ્રેકફાસ્ટ સિરિયલ, રેડી-ટુ-ઇટ ફૂડ અને સૉલ્ટી સ્નેક્સ ખાવાની તીવ્ર ઇચ્છા વધી રહી છે.
ભારતીય UPF બજારના પાંચ સ્તંભ :
રિપોર્ટમાં ભારતીય UPF બજારને પાંચ મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાંથી દરેક કેટેગરી હેઠળ એકથી વધુ ખાદ્યપદાર્થોની યાદી જાહેર કરવામાં આવી હતી.
1. બ્રેકફાસ્ટ સીરિયલ
ભારતમાં બ્રેકફાસ્ટ સિરિલ્સના વેચાણમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને WHOના અહેવાલમાં લૉ શુગર અને નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સ સાથે તેના હેલ્થી વર્ઝનની તાત્કાલિક આવશ્યકતા વિશે ચેતવે છે. તેણે દેશમાં ડાયાબિટીઝના વધતા જતા વ્યાપને UPFના વધુ પડતા વપરાશ સાથે પણ જોડ્યો છે.
ભારતમાં નાના બાળકો અને કિશોરોમાં પણ પ્રિ-ડાયાબિટીક સમસ્યાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. તેથી, પ્રોડક્ટ રિફોર્મ્યુલેશનની જરૂર છે જે કરવું પ્રમાણમાં સરળ છે અને આવનારા ભવિષ્યમાં તેની માંગ વધશે એવું અહેવાલમાં જણાવાયું છે.
સવારના નાસ્તામાં આખા અનાજમાં ઓટ્સ, દલિયા અને મુસલીનું વેચાણ 2021માં સૌથી વધુ હતું. વર્ષ 2011માં ભારતમાં લગભગ 12,000 ટન કોર્ન ફ્લેક્સ વેચાયા હતા, જે આંકડો વર્ષ 2021માં વધીને 40,000 ટન (અંદાજે કિંમત 14,008 મિલિયન) સુધી પહોંચ્યો.
2. રેડી-મેડ અને કન્વિનિયન્સ ફૂડ
આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉનને કારણે વર્ષ 2020માં રેડી-મેડ અને કન્વિનિયન્સ (આપણી સગવડ ખાતર તૈયાર થતા) ખાદ્યપદાર્થોની માંગ વધી છે, કારણ કે આ સમયે પેન્ડેમિકની પરિસ્થિતિનાં કારણે મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું હતું.
ડૉ. સત્યા કહે છે કે, “UPF ક્વિક ટુ ઈટ ફૂડ છે પરંતુ, સ્વાસ્થ્ય માટે સારું નથી. તેમાં ભરપૂર માત્રામાં રિફાઇન્ડ શુગર, કાર્બોહાઇડ્રેટ્સ અને સેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જે શરીર માટે હાનિકારક છે.”
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ ખાદ્યપદાર્થોમાં ઘણી વાર મીઠું, સોડિયમ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે. ખાસ કરીને ટ્રાન્સ ફેટી એસિડ્સ કે, જે આ આહારને આરોગ્ય માટે મોટી ચિંતાનો વિષય બનાવે છે. વર્ષ 2021માં, ચટણી, મસાલા અને ફૂડ ડ્રેસિંગ આઇટમ્સ 814 હજાર ટન સાથે આ કેટેગરીમાં સૌથી વધુ વેચાતા ખાદ્યપદાર્થો છે. ત્યારબાદ ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને 450 હજાર ટનની કિંમતે તૈયાર રેડી-ટુ-ઈટ કૂકિંગ ઈન્ગ્રિડિયન્ટ્સનો સમાવેશ થાય છે.
3. સોલ્ટી સ્નેક્સ
પેન્ડેમિકના સમયગાળામાં સૉલ્ટી નાસ્તો આરોગવાની આદતમાં પણ વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2019માં ટોટલ રિટોઇલ સેલ્સ વેલ્યુની દ્રષ્ટિએ સ્નેક્સને અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આ કેટેગરીમાં બટાકાની ચિપ્સ, ટોર્ટિલા ચિપ્સ, પફ્ડ સ્નેક્સ, પોપકોર્ન, સ્વાદિષ્ટ બિસ્કિટ અને અન્ય ભારતીય ખારા નાસ્તા અથવા નમકીન (જેમ કે ભુજિયા અને સેવ)નો પણ સમાવેશ થાય છે. “ઘણી પ્રોડક્ટ્સમાં મીઠું અને ફેટનું પ્રમાણ WHO-ICRIER (સાઉથ-ઇસ્ટ એશિયન રિજન) ન્યૂટ્રિઅન્ટ પ્રોફાઇલ મોડેલ (NPM)ના ધોરણો કરતાં ત્રણ ગણું વધારે છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે માર્કેટમાં સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થોની ઓછી ઉપલબ્ધતાનું મુખ્ય કારણ આ પ્રકારના ખાદ્યપદાર્થો અંગે ઓછો પોલિસી સપોર્ટ છે.
હેપ્પીએસ્ટ હેલ્થની વીડિયો સિરીઝ ‘ધ વ્હાય એક્સિસ’માં બોલતા બેંગ્લોરની સેન્ટ જ્હોન્સ મેડિકલ કોલેજ હોસ્પિટલના ફિઝિયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. અનુરા કુરપાડે જણાવ્યું હતું કે, “ડાયાબિટીસ હોય તેવા કેટલાક લોકો ખાંડ ખાવાનું ટાળે છે પરંતુ, તેઓ ખારા ખાદ્યપદાર્થો તરફ વળે છે. જો તમે સ્ટાર્ચમાંથી બનેલી ઘણી બધી ચિપ્સ અથવા સોલ્ટી નાસ્તો ખાઈ રહ્યાં છો અને એવું વિચારી રહ્યા છો કે, તમે તમારી જાતને ડાયાબિટીસથી બચાવી રહ્યાં છો, તો તમે ખોટા છો.”
4. ચોકલેટ અને સુગર કન્ફેક્શનરી
ચોકલેટ્સ અને સુગર કન્ફેક્શનરીની જો વાત કરવામાં આવે તો, રિટેલ સેલ્સ વેલ્યુ અને વૉલ્યુમ બંને દ્રષ્ટ્રીએ સ્વીટ બિસ્કીટ સૌથી વધુ માર્કેટ શેર ધરાવે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સ્વિટ બિસ્કિટ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે, તે ઘણીવાર ઈમપલ્સ સ્નેક્સ તરીકે (ખાસ કરીને બાળકો દ્વારા) ખાવામાં આવે છે અને લાંબી શેલ્ફ લાઇફ ધરાવે છે.
“પોલિસીમેકિંગની દ્રષ્ટીએ સ્વિટ બિસ્કિટ પેટાકેટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વનું છે આનું કારણ એ છે કે, તે મોટાભાગે બાળકો ખાય છે અને પ્રમાણમાં સસ્તા છે આ ખાદ્ય પદાર્થ હેલ્થી પ્રોડક્ટ તરીકે માર્કેટમાં જાણીતા છે” એવું અહેવાલમાં જણાવાયું છે. આ સિવાય મીઠાઈ, બિસ્કિટ પછી કેક અને પેસ્ટ્રીની સાથે આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ્સનું સૌથી વધુ વેચાણ થયું હતું.
5.પીણાં (સુગર સાથે અને તે સિવાય)
WHOના અહેવાલ મુજબ, કાર્બોનેટેડ પીણાં અને કોલાએ તેમના બજારમાં વેચાણ મોટાપાયે ઘટાડો અનુભવ્યો હતો જ્યારે ફ્લેવર્ડ દૂધ અને જ્યુસ ઉત્પાદનોએ બજારમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી. એકલા 2021માં રિટેલ વોલ્યુમની વાત કરીએ તો, સ્ક્વોશ કોન્સન્ટ્રેટ્સ, પીણાં બજારના વેચાણમાં 77 ટકા ભાગ ધરાવે છે. કૉલકાતાના એપોલો કેન્સર સેન્ટરના રેડિયેશન ઑન્કોલોજીના વરિષ્ઠ સલાહકાર ડૉ. સયાન પોલ કહે છે કે, “આમાંના મોટાભાગના ખોરાકમાં રાસાયણિક તત્વો અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે લાંબા ગાળે આરોગ્યની ચિંતાઓનું કારણ બની શકે છે. તેઓ એવી સમસ્યાઓ પણ પેદા કરી શકે છે, જે આડકતરી રીતે તમને કેન્સરની સમસ્યા તરફ દોરી જઈ શકે છે.”
અહેવાલમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, મોટાભાગના લોકો પેન્ડેમિકના કારણે કોલા અને કાર્બોનેટેડ ડ્રિંક્સમાંથી જ્યુસ અને ફ્લેવર્ડ દૂધ તરફ વળ્યા હતા પરંતુ, આ ઉત્પાદનોમાં પણ મોટા પ્રમાણમાં શુગર હોય છે અને તે સ્વાસ્થ્ય વર્ધક વિકલ્પ ન હોઇ શકે. ડબ્લ્યુએચઓ (WHO)એ તાજેતરમાં શુગર-ફ્રી પીણાંમાં ઉપયોગમાં લેવાતા જાણિતા કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટેમને પણ સંભવિત કાર્સિનોજેન તરીકે વર્ગીકૃત કર્યું છે.
ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF)ના ડાયાબિટોલોજીસ્ટ અને ચેર-ઇલેક્ટ (દક્ષિણ એશિયા) ડૉ. બંશી સાબૂ મજબૂત અસરકારક પગલાંને અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂકે છે કારણ કે, દેશમાં તમામ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ અને વયજૂથોના લોકોમાં UPFનો વપરાશ (ખાંડથી સમૃદ્ધ પીણા સહિત) વધી રહ્યો છે. ભારતમાં હાલ ઓછામાં ઓછા 10.1 કરોડ લોકોને ડાયાબિટીસથી, જ્યારે બીજા 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીક છે.