ભારત સરકારનું કહેવું છે કે, ટ્રાન્સ-ફેટી એસિડ્સથી સમૃદ્ધ પ્રોસેસ્ડ ફૂડ વૈશ્વિક સ્તરે હૃદયને લગતા ઓછામાં ઓછા 5.4 લાખ મૃત્યુ માટે જવાબદાર છે.
બ્રાન્ડેડ બટાકાની ચિપ્સનું પેક ખોલતા પહેલા ત્રણ વાર વિચારજો. ટ્રાન્સ ફેટી એસિડ્સથી ભરેલા પેકેજ્ડ ફૂડને કારણે હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ કેવી રીતે પેદા થઈ શકે છે? તેના વિશે વધુ એક ઘટસ્ફોટમાં ભારત સરકારે સંસદમાં જણાવ્યું છે. આ માહિતી મુજબ ટ્રાન્સ-ફેટના વધુ પડતા વપરાશને કારણે થતી બીમારીઓને કારણે દર વર્ષે ઓછામાં ઓછા 5.4 લાખ લોકો મૃત્યુ પામે છે.
ટ્રાન્સ-ફેટ આહારના કારણે થતાં સ્વાસ્થ્ય પરનાં જોખમો અંગેના પ્રશ્નના સત્તાવાર જવાબમાં તે નિર્દેશ કરવામાં આવ્યો હતો કે, દેશમાં હૃદય સંબંધિત બીમારીઓનાં કારણે થતા મૃત્યુમાંથી 4.6% ટ્રાન્સ-ફેટ સંબંધિત હોઈ શકે છે.
જવાબમાં જણાવ્યા મુજબ ટ્રાન્સ-ફેટનું વધુ પડતું સેવન કોઈપણ કારણથી થતાં મૃત્યુનું જોખમ 34 ટકા વધારી શકે છે જ્યારે હૃદય સંબંધિત બીમારીઓનાં કારણે થતા મૃત્યુમાં 28 ટકાનો વધારો કરી શકે છે.
ટ્રાન્સ ફેટ એટલે શું?
ડૉકટરો નિર્દેશ કરે છે કે, ટ્રાન્સ ફેટ એ અનસેચ્યુરેટેડ ડાયટરી ફેટ્સનું બિનઆરોગ્યપ્રદ સ્વરૂપ છે, જે ધમનીઓને ચરબી અને કોલેસ્ટ્રોલના થરથી ભરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ટ્રાન્સ-ફેટી એસિડની બે જાત હોય છે.
પ્રાકૃતિક ટ્રાન્સ ફેટી એસિડ – આ ફેટી એસિડ તમને લાલ માંસ કે ડેરી પ્રોડક્ટ્સમાંથી મળી રહે છે
કૃત્રિમ ટ્રાન્સ ફેટી એસિડ – આ ફેટી એસિડ અનહેલ્ધી કૂકિંગ ઓઈલ કે પ્રોસેસ્ડ ફૂડના માધ્યમથી તમારા શરીરમાં પ્રવેશે છે.
ટ્રાન્સ ફેટ એ મુખ્યત્વે પ્રોસેસ્ડ અને પેકિંગ ફૂડ, બેકિંગ ફૂડ અને તળેલા ફૂડમાં વધુ પડતું જોવા મળે છે જેમ કે – ફ્રેન્ચ ફ્રાઈસ, ડોનટ્સ, પોટેટો ચિપ્સ, વેફર્સ, કૂકીઝ અને બિસ્કિટ્સ.
ટ્રાન્સ ફેટી એસિડ્સનો મુખ્ય સ્ત્રોત આંશિક રીતે હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ તેલ છે, જેનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદકો (કેટલીક રેસ્ટોરાં સહિત) દ્વારા કરવામાં આવે છેઃ
ઉત્પાદનની કિંમત ઘટાડવા માટે અને તેલની શેલ્ફ લાઈફ વધારવા માટે.
હાઇડ્રોજીનેશન એ વનસ્પતિ તેલને ગરમ કરવાની પ્રક્રિયા છે કે, જેમાં હાઇડ્રોજન ગેસ ઉમેરવામાં આવે છે, જેથી ઓરડાના તાપમાને લિક્વિડ ફેટને સોલિડ ફેટમાં ફેરવી શકાય.
ટ્રાન્સ ફેટથી તમારા હૃદય પર કેવી રીતે અસર પડે છે?
હેપ્પીએસ્ટ હેલ્થ સાથેની ઇ-મેઇલ વાતચીતમાં કોલકાતાની મણિપાલ હોસ્પિટલોના ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ પ્રોફેસર ડૉ. પી.એસ. બેનર્જી જણાવે છે કે, ટ્રાન્સ-ફેટ-સમૃદ્ધ આહાર એ મલ્ટીપલ કાર્ડિયોવેસ્ક્યુલર જટિલતાઓનું મુખ્ય કારણ છે.
તે જણાવે છે કે, ‘ટ્રાન્સ-ફેટ-સમૃદ્ધ આહાર ખાવાના કારણે તમારા પર હાર્ટ એટેક, સ્ટ્રોક અને પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ થવાનું જોખમ રહે છે.’
પંજાબના ભટીંડા સ્થિત એઈમ્સના અધ્યાપન ફેકલ્ટી મેમ્બર અને ડાયાબિટીસ કેર સેન્ટરના કન્સલ્ટન્ટ ફિઝિશ્યન ડૉ. વિતુલ કે. ગુપ્તા કહે છે કે, ‘ટ્રાન્સ-ફેટ-સમૃદ્ધ આહારથી નાની ઉંમરે જ હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે કારણ કે, આ આહારના સેવનથી કોરોનરી આર્ટરાઈટીસમાં બ્લોકેજની રચનામાં ઝડપ આવે છે.’
તેઓ કહે છે કે, ‘ટ્રાન્સ-ફેટી એસિડ લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL)માં વધારા તરફ દોરી જાય છે અને તે જ સમયે તમારા લોહીમાં હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન (HDL)ને પણ ઘટાડે છે.’ LDLને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, તે તમારી ધમનીઓમાં ચરબીના થર જમા કરી તમારા હૃદયમાં રક્ત પરિભ્રમણને અવરોધે છે. બીજી તરફ HDLને સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, તે વધારાના કોલેસ્ટ્રોલને યકૃતમાં પાછું લઈ જઈને તેનો શરીરમાંથી નિકાલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ અને નિયમનકારોની ભૂમિકા
પ્રોફેસર ડૉ. ગુપ્તા કહે છે કે, હવે એ સમય આવી ગયો છે કે પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ અને WHO જેવા આરોગ્ય નિયમનકારોએ પણ ખાદ્ય પ્રણાલીમાં વધારાના ટ્રાન્સ ફેટની હાજરી સામે કડક વલણ અપનાવ્યું હોય.
પ્રોફેસર ડૉ. બેનરજી જણાવે છે કે, ‘ચરબીનો કુલ વપરાશ કોઈપણ વ્યક્તિની રોજિંદી કેલરીની કુલ માત્રાના 30 ટકા કરતાં પણ ઓછો હોવો જોઈએ.’
WHOની માર્ગદર્શિકા અનુસાર આ 30% માંથી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ટ્રાન્સ ફેટી એસિડનું સેવન 1%થી વધુ ન હોવું જોઈએ.
WHOએ તાજેતરમાં કહ્યું હતું કે, અબજો લોકો હજી પણ ટ્રાન્સ-ફેટ-સમૃદ્ધ ખોરાકના સંપર્કમાં છે. સંસ્થાએ 2023 સુધીમાં વૈશ્વિક આહારમાંથી ટ્રાન્સ ફેટને દૂર કરવાની તેની 2018ની અપીલને પુનરાવર્તિત કરી હતી. તેણે નવ દેશો (16માંથી) ઓસ્ટ્રેલિયા, અઝરબૈજાન, ભૂતાન, ઇક્વાડોર, ઇજિપ્ત, ઇરાન, નેપાળ, પાકિસ્તાન અને દક્ષિણ કોરિયાની પણ ટીકા કરી હતી, જેમાં કોરોનરી હાર્ટ ડિસીઝનું પ્રમાણ સૌથી વધુ હતું કારણ કે, તેમણે પ્રોસેસ્ડ ફૂડમાંથી ટ્રાન્સ ફેટને નાબૂદ કરવા માટે કઠોર વલણ અપનાવ્યું હતું.
શુક્રવારે પોતાના જવાબમાં ભારત સરકારે ધ્યાન દોર્યું હતું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (વેચાણ પર પ્રતિબંધ) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ફૂડ એડિટિવ્સ) નિયમોમાં સુધારો કરીને દેશમાં ટ્રાન્સ-ફેટ વપરાશ ઘટાડવા માટે WHO દ્વારા નિર્દિષ્ટ નીતિ લાગુ કરી દીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેનો મુખ્ય ઉદ્દેશ ખાદ્ય તેલ, ચરબી અને બંનેમાંથી ઉત્પાદિત થતાં ખાદ્ય ઉત્પાદનોમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટી એસિડ્સને વજનના આધારે 2 ટકાથી વધુ ન રાખવાનો છે.
દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ સુધારાઓ 1 જાન્યુઆરી,2022થી અમલમાં આવ્યા છે.’
ફૂડ પેકેટ્સ પર જાગૃતિ અને ચેતવણીના સંકેતો જરૂરી
પ્રોફેસર ડૉ. ગુપ્તા કહે છે કે, ફૂડ પેકેટ્સ પર યોગ્ય ચેતવણીના સંકેતો હોવા જોઈએ, જેથી ગ્રાહકોને તેમના ખોરાકમાં ફેટી એસિડ્સ, ખાસ કરીને ટ્રાન્સ ફેટની માત્રા વિશે સ્પષ્ટતા મળે.
તેઓ ઉમેરે છે કે, ભારત સરકારે પોષણમૂલ્યના આધારે પેકેજ્ડ ફૂડ આઇટમ્સ માટે હેલ્થ સ્ટાર રેટિંગ (HSR) લાગૂ કરવાનો નિર્ણય લીધો હોવા છતાં ઉત્પાદકો ગ્રાહકોને સસ્તા બિનઆરોગ્યપ્રદ ખોરાકને આગળ ધપાવવા માટે કેટલીક છટકબારી શોધી શકે છે. આ સ્ટાર રેટિંગ દરેક ખાદ્ય પદાર્થોનું મૂલ્યાંકન 100 ગ્રામ ખોરાકદીઠ વિવિધ ઘટકો અને પોષકતત્વોના આધારે કરે છે.
પ્રોફેસર ડૉ. ગુપ્તા જણાવે છે કે, ‘સ્ટાર રેટિંગ્સને બદલે આગળની બાજુએ યોગ્ય ચેતવણીનાં લેબલો છાપવાં જોઈએ. ઉદાહરણ તરીકે, એક આહાર ઉત્પાદક કેટલાક તંદુરસ્ત ઘટકોની માત્રામાં વધારો કરીને વધુ સારા સ્ટાર રેટિંગ મેળવી શકે છે, જ્યારે ટ્રાન્સ ફેટ સહિતના હાનિકારક ઘટકોને તેમના પોતાના વ્યવસાયિક ગણતરીના આધારે જાળવી રાખે છે.’
પ્રો.ડૉ. બેનર્જી કહે છે કે, આરોગ્ય પ્રત્યેની જાગૃતિમાં વધારો એ સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે કે, લોકો તંદુરસ્ત જીવનશૈલી અપનાવે. તેમણે ઉમેર્યું હતું કે, શાળાના અભ્યાસક્રમમાં કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓને દૂર રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી (સંતુલિત આહાર, કસરત અને તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ)ના ફાયદાઓ સાથે ટ્રાન્સ-ફેટ આહારના આરોગ્યના જોખમોને સ્પષ્ટપણે પ્રકાશિત કરવા જોઈએ.
તેઓ જણાવે છે કે, ‘કુદરતી રીતે મળતું ટ્રાન્સફેટ એ હાઇડ્રોજનયુક્ત ઓઈલ (કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા ટ્રાન્સ ફેટ) કરતાં ઓછુ હાનિકારક હોય છે. ટ્રાન્સફેટનાં કોઈ જાણીતા સ્વાસ્થ્ય લાભો હોતા નથી અને તેના વપરાશનું કોઈ સલામત સ્તર નથી. કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓથી સુરક્ષિત રહેવા માટે જે પેકેજ્ડ ફૂડમાં ટ્રાન્સ ફેટ હોય તો તે ખાવાનું ટાળવું જોઈએ.’
યાદ રાખવા જેવી બાબતો
- ભારતમાં હૃદય સંબંધિત સમસ્યાઓનાં કારણે થતાં 6 ટકા મૃત્યુ માટે ટ્રાન્સ-ફેટી એસિડ્સ જવાબદાર છે.
- WHOની માર્ગદર્શિકાઓ કહે છે કે, દૈનિક ધોરણે ચરબીનું સેવન દૈનિક કેલરીના ૩૦ ટકાથી વધુ ન હોવું જોઈએ અને ટ્રાન્સ-ફેટ એ કુલ વપરાશના એક ટકા કરતા પણ ઓછુ હોવું જોઈએ.
- તમામ પ્રોસેસ્ડ ફૂડ, મુખ્યત્વે બેકડ અને તળેલી ચીજવસ્તુઓ, ટ્રાન્સ ફેટ ધરાવી શકે છે
- આંશિક રીતે હાઇડ્રોજનયુક્ત વનસ્પતિજન્ય તેલ ટ્રાન્સ ફેટનો મુખ્ય આહાર સ્ત્રોત છે.