ડેન્ગ્યુનો ડર એ એક એવી બાબત છે કે, જેનો આપણે બધા ચોમાસા દરમિયાન સામનો કરીએ છીએ ! જો આપણે આપણા શરીરની યોગ્ય રીતે સાર-સંભાળ ન રાખીએ તો આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે. તાવની સારવારમાં આહાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હૈદરાબાદની પ્રાઇમ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડનાં ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન ડૉ. તનુજા ખુરાના કહે છે કે, ‘આપણા શરીરને સાજા થવા માટે સમય, શક્તિ અને યોગ્ય પ્રકારના ખોરાકની જરૂર હોય છે.’ ડેન્ગ્યુની શરીર પરની અસરને સમજીને તમે તેમાંથી રિકવરી માટે એક યોગ્ય ડાયટ પ્લાન તૈયાર કરી શકો છો.
ડેન્ગ્યુના ડાયટમાં ફરજિયાતપણે ઉમેરવા આ ખોરાક
1. ફ્રૂટ જ્યુસ
ડૉ. ખુરાના કહે છે કે, શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુના ડાયટમાં પાણી અને આઇસોટોનિક પ્રવાહી જેવા પુષ્કળ પ્રવાહીયુક્ત પદાર્થોનો વધુ પડતો સમાવેશ કરવો જોઈએ. વ્યક્તિએ સતત ફળનો રસ પીતા રહેવું જોઈએ કારણ કે, તે શરીરમાં પ્લેટલેટની ગણતરી અને ફાઇબ્રિનોજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તે એ પણ સ્પષ્ટતા કરે છે કે, જેમ-જેમ શરીરમાં ફાઇબ્રિનોજનનું પ્રમાણ વધે છે તેમ-તેમ આપણા પ્લેટલેટ્સ આપોઆપ વધી જાય છે.
2. ફિશ, ચિકન અને પનીર
આપણા શરીરની રીકવરી માટે પ્રોટીનની ભરપૂર જરૂર હોય છે. ડેન્ગ્યુની બિમારીથી પીડિત લોકોને રિકવરી માટે ચિકન, માછલી અને ઇંડાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે, તેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેઓ ઉમેરે છે કે, ‘શાકાહારીઓ માટે ટોફુ, પનીર અને કઠોળ સારા વિકલ્પો છે. જો કે, ડેન્ગ્યુનાં ડાયટમાં શક્ય બને તો સફેદ કઠોળની પસંદગી કરવી જોઈએ, લાલ કઠોળની નહીં કારણ કે, શરીરને પાતળા પ્રોટીનની જરૂર પડે છે.’
3. લીલા શાકભાજી
પાલક, કેપ્સિકમ, કઠોળ અને શતાવરી જેવા શાકભાજી ખાવા જોઈએ કારણ કે, તેમાં ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. જે તંદુરસ્ત કોશિકાઓના વિકાસ અને વિભાજનને પ્રોત્સાહિત કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ડેન્ગ્યુમાં જોવા મળતી ઓછી પ્લેટલેટની સમસ્યા સામેની લડાઇમાં તે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે ભલામણ કરે છે કે, ડેન્ગ્યુના ડાયટમાં વિટામિન-કેથી સમૃદ્ધ ખોરાક જેમ કે, ફણગાવેલા કઠોળ અને બ્રોકોલી જેવા ખોરાક શામેલ હોવા જોઈએ. ડેન્ગ્યુની સમસ્યામાં બ્લડ ક્લૉટિંગને ટેકો આપવા અને રક્તસ્રાવને રોકવા માટે તે મદદગાર સાબિત થાય છે.
4. પપૈયુ, સફરજન અને નારંગી
ડૉ. ખુરાના પપૈયું, નારંગી, નાસપતી અને સફરજન ખાવાની સલાહ આપે છે કારણ કે, આ ફળ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને શરીરને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. પપૈયુ એ ફાઇબ્રિનોજનના સ્તરમાં વધારો કરે છે અને ડેન્ગ્યુની સારવારમાં પણ મદદ કરે છે.
ડૉ. ખુરાનાએ એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું કે, માખણ અને બેકરીની વસ્તુઓ કે જેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય તેવા આહારને ટાળવો જોઈએ. તે ઉમેરે છે કે, ‘મસાલેદાર ખોરાક અને કેફિનયુક્ત પીણાંનું સેવન કરવાનું ટાળો કારણ કે, તે મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે, જ્યારે ડેન્ગ્યુ સામે લડતી વખતે આપણને પાણીની વધુ પડતી જરૂર પડે છે. આમ, આ ખોરાક સમગ્ર પ્રક્રિયાથી વિપરીત છે.’
મોહાલીની મેક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનાં હેડ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ આસ્થા ખુંગરે ડેન્ગ્યુના આહારના ભાગરૂપે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે નીચે મુજબની ભલામણો કરી છેઃ
• સવારના નાસ્તામાં તેઓ સૂચવે છે કે,‘સવારે દાલિયા કે ઓટ્સ લઈ શકાય છે. આ સિવાય તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુનું શરબત પણ પીવું જોઈએ અને શક્ય બને તો સવારમાં બ્રેડનું સેવન ટાળો.’
• બપોરના ભોજનમાં તે પનીર સાથે સૂપ અથવા બાજરી સાથે ખીચડીનો સમાવેશ કરવાની સલાહ આપે છે.
• રાત્રિભોજન માટે દાળ અને ચોખા સાથે કસ્ટર્ડ હોવું જોઈએ કારણ કે, તે આપણા શરીરને કેલરીની જરૂરિયાત સંતોષે છે.
બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલ મિલર્સ રોડના ઇન્ટરનલ મેડિસિનના કન્સલ્ટન્ટ ડૉ. પ્રમોદ વી સત્યા જણાવે છે કે, ‘ચેપના ત્રીજાથી પાંચમા દિવસે આપણું યકૃત ચેપ સામે લડવા માટે સખત મહેનત કરે છે. પરિણામે, તે ફૂલી જાય છે, ભૂખ ઘટાડે છે અને ઉબકા આવે છે. આ સમયે તે તળેલા નાસ્તા અથવા વધુ ચરબીયુક્ત ખોરાક લેવા સામે પણ ચેતવણી આપે છે કારણ કે, યકૃત તેને પચાવવા માટે બિનજરૂરી રીતે ઉર્જા અને પાણીનો વ્યય કરશે.’. તેઓ ભારપૂર્વક જણાવે છે કે, ડેન્ગ્યુ એ સેલ્ફ લિમિટીંગ રોગ છે અને તેનાથી પીડાતા લોકોએ ઓછી ચરબીવાળા આહાર પર રહેવું જોઈએ અને પુષ્કળ પ્રવાહી લેવું જોઈએ.