થિયેટરમાં કે ઘરે મૂવી જોતા સમયે મોટાભાગના લોકો દ્વારા પસંદ કરવામાં આવતો નાસ્તો એટલે પોપકોર્ન. તેને અમુક લોકોએ ‘જંકફૂડ’ નું પણ બિરુદ આપ્યું છે પરંતુ, નિષ્ણાતો કહે છે કે, જો તેને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તે ડાયાબિટીઝવાળા લોકો માટે પણ સૌથી આરોગ્યપ્રદ નાસ્તામાંનો એક નાસ્તો બની શકે છે.
બેંગ્લોરના ડાયબિટોલોજિસ્ટ ડૉ. અશવિતા શ્રુતિ દાસ પોતાના ડાયાબિટીસનાં દર્દીઓને હંમેશા નાસ્તા તરીકે પોપકોર્ન ખાવાની ભલામણ કરે છે પરંતુ, તેણી તેઓને ઘરે તૈયાર કરેલા પોપકોર્ન ખાવાની સલાહ આપે છે. તે પોતાના દર્દીઓને પેકેજ્ડ અને બહાર લારીઓ પર મળતાં પોપકોર્ન ખરીદવાથી રોકે છે.
પોપકોર્નમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી, ડૉકટરો અને ડાયટિશિયન્સ ઘણીવાર નાસ્તા તરીકે આની ભલામણ કરે છે. ડાયટિશિયન નિધિ નિગમ જણાવે છે કે, ‘પોપકોર્ન એ વજનમાં હળવું હોવા છતાં પણ ભારે આહાર છે. તેથી, એક કપ પોપકોર્નમાં લગભગ 25 ગ્રામ કાચી મકાઈ હોય છે એટલે તેને ખાધા પછી કોઈપણ વ્યક્તિ પોતાનું પેટ ભરેલું અનુભવી શકે છે.’
દિલ્હીનાં ડાયટિશિયન અવની કૌલ કહે છે કે, ‘પોપકોર્નમાં ફાઇબરનું પ્રમાણ વધુ અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઇ) ઓછું હોવાને કારણે ડાયાબિટીસ ધરાવતા લોકોને તેના સેવનથી અનેક ગણો ફાયદો થઈ શકે છે. ફાઇબર એ તમારી પાચનક્રિયાને ધીમી કરે છે અને લોહીમાં શુગરનાં સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.’
શક્ય બને તો બહાર મળતાં પોપકોર્નનું સેવન ટાળો
અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા પ્રકાશિત એક લેખ અનુસાર, ફાઇબર ઉપરાંત પોપકોર્ન પોલિફેનોલ્સ એન્ટિઓક્સિડન્ટ્સનો પણ સારો સ્રોત છે, જે વધુ સારા બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ અને ડાયજેસ્ટિવ હેલ્થ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તે અમુક પ્રકારાનાં કેન્સરના જોખમને સંભવિતપણે ઘટાડે છે.
કારામેલ, ચીઝ અથવા માખણને પોપકોર્નમાં ઉમેરીને ખાવાથી તમારા સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારનો લાભ મળશે નહીં. તે ફક્ત તમારા શરીરમાં કેલરીનું પ્રમાણ વધારીને તમારો ગ્લાયકેમિક ઈન્ડેક્સ વધારશે.
જ્યારે એકદમ હળવો નાસ્તો તૈયાર કરવાની વાત આવે છે ત્યારે પોપકોર્નને નહીવત પ્રમાણમાં માખણ અથવા ઓલિવ તેલથી માઇક્રોવેવ કરવું એ એક સારો વિચાર છે. નિગમ કહે છે કે, ‘તમે પોપકોર્ન તૈયાર કરવા માટે કડાઈ અથવા એર ફ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો.’
ડૉ. દાસના મતે, કોઈપણ પ્રકારનાં મસાલા કે ફ્લેવર વગરનાં સાદા પોપકોર્નનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. હા, જો તમે ઈચ્છો તો તેમાં થોડું મીઠું અને મરચાંનો પાવડર ઉમેરી શકો છો, જેથી તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય.
ડૉ. નિગમ ઉપરોક્ત વાતને સમજાવતાં કહે છે કે, ‘જો તમે પોપકોર્નમાં ભરપૂર તેલ, માખણ કે ચીઝનો ઉપયોગ કરો છો તો તેમાં રહેલા લાભકારી તત્વો નાશ પામે છે અને આ પોપકોર્ન તમારા માટે એક અનહેલ્ધી નાસ્તો બની જાય છે.’
કૌલના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીસ ધરાવતા લોકોએ શરીરમાં સોડિયમનું પ્રમાણ નિયંત્રિત કરવા માટે અનસોલ્ટેડ પોપકોર્નનું સેવન કરવું જોઈએ, જે તમારા બ્લડપ્રેશરને પણ નિયંત્રિત રાખવામાં મદદરુપ બની શકે છે. કૌલ જણાવે છે, ‘તે [સાદા પોપકોર્ન] બ્લડપ્રેશરને તો નિયંત્રિત રાખે જ છે સાથે જ તેના સેવનથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી.’
ડૉ. કૌલ કહે છે કે, ‘જો ડાયાબિટીસનાં દર્દીઓ ઈચ્છે તો પોપોકોર્નમાં થોડો તજ અથવા કોકો પાવડરનો છંટકાવ કરીને તેને મસાલેદાર બનાવી શકે છે. આ પ્રાકૃતિક મસાલાઓ તમારા બ્લડપ્રેશરને હાનિ પહોંચાડ્યા વગર તમારા પોપકોર્નને સ્વાદિષ્ટ બનાવી શકે છે.’
નિગમ સમજાવે છે કે, ‘ડાયાબિટીઝનાં દર્દીઓ માટે અનપ્રોસેસ્ડ ચીઝ એ આરોગ્યપ્રદ વિકલ્પ છે પરંતુ, સામાન્ય રીતે ચીઝ પોપકોર્ન બનાવવા માટે ડિહાઇડ્રેટેડ ચીઝ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેનું સેવન ટાળવું જોઈએ.’
કૌલ કહે છે, ‘તેના બદલે, તમે તેને ઘરે જ બનાવી શકો છો અને તેમાં થોડી માત્રામાં બારીક ખમણેલું પરમેસન ચીઝ ઉમેરી શકો છો, જે તેને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધાર્યા વગર તમને લિજ્જતદાર સ્વાદ આપે છે.’
જે દિવસે લોકો ચીઝ પોપકોર્નનો નાસ્તો કરે તે દિવસે તેઓએ અન્ય કાર્બોહાઈડ્રેટયુક્ત વસ્તુઓનું સેવન પણ ઘટાડવું જોઈએ કારણ કે, ચીઝ પોપકોર્નમાં કાર્બ્સ અને ચરબી ભરપૂર માત્રામાં હોય છે. કૌલ કહે છે કે, ‘શરીરમાં પ્રોટીન અને તંદુરસ્ત ચરબીનું સમતોલન જાળવવા માટે હંમેશા શાકભાજી અને આખા ધાન જેવા સંપૂર્ણ તથા અનપ્રોસેસ્ડ કાર્બ્સને પ્રાધાન્ય આપો.’
પોપકોર્ન: આરોગ્ય માટે કેટલા જોખમી?
ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ સામાન્ય રીતે એકથી બે કપ સાદા પોપકોર્નનું સેવન કરી શકે છે. કૌલ કહે છે, ‘આનું પ્રમાણ લગભગ 15થી 30 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ જેટલું હોય છે.’
જો કે, બ્લડસુગરનાં પ્રમાણનું ધ્યાન રાખતાં ઉપરોક્ત માપદંડને વળગી રહેવું દર્દીઓ માટે ઘણીવાર મુશ્કેલ બની જાય છે.
કૌલ સૂચવે છે કે, ‘[પોપકોર્નના] સંપૂર્ણ, અનપ્રોસેસ્ડ વિકલ્પોને પ્રાધાન્ય આપો અને કોઈપણ જાતનો અપરાધભાવ રાખ્યા વગર તેનું સેવન કરો. જો તમને તેના સેવન અંગે કોઈ મૂંઝવણ હોય તો યોગ્ય માર્ગદર્શન માટે ડાયટિશિયનની સલાહ લો.’
યાદ રાખવા જેવી બાબતો
જો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો પોપકોર્ન એ તંદુરસ્ત નાસ્તો બની શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો સામાન્ય રીતે એકથી બે કપ પોપકોર્ન ખાઈ શકે છે પરંતુ, શરત ફક્ત એટલી કે, તેમાં તેલ-મસાલાનું પ્રમાણ નહીવત હોય. જોકે, ડાયાબિટીસનાં દર્દીઓ પોતાના ફીક્કા પોપકોર્નને સ્વાદ આપવા માટે તજ અથવા કોકો પાવડરનો છંટકાવ કરી શકે છે.