કેટલાક તાજેતરના રિસર્ચમાં સામે આવ્યું છે કે નૉન-સ્ટીક વાસણોમાં ‘ફોરેવર કેમિકલ્સ’ હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે. તે લીવર કેન્સર સાથે જોડાયેલું છે, જે સમગ્ર વિશ્વમાં કેન્સરથી થતા મૃત્યુના મુખ્ય કારણોમાંથી એક છે. નિષ્ણાતો જણાવે છે કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે વિશ્વના ઘણા દેશોમાં ઉદ્યોગોમાં આ રસાયણોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા માટે કોઇ જ કડક નિયમો નથી.
શું નૉન-સ્ટીક વાસણ કેન્સરનું કારણ બની શકે ?
JHEP રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર લોસ એન્જલસ અને હવાઈના પુખ્ત વયના લોકોના 2022માં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઇ PFASથી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા (એક પ્રકારનું લિવર કેન્સર) થવાનું જોખમ વધે છે. હેપીએસ્ટ હેલ્થ સાથેની ઈમેઈલ વાર્તાલાપમાં, લેખક અને પ્રૉફેસર જેસી એ. ગુડરીચે જણાવ્યું કે,” કેન્સર ન થયું હોય તેવા વૃદ્ધ વયના લોકોના અમે લોહીના નમૂના લીધા હતા અને પછી અમે ટ્રેક કર્યું કે તેમને પાછળથી કેન્સર થયું કે નહીં. અમે તેમના લોહીમાં PFASનું સ્તર માપ્યું, અને પછી PFASનું હાઇ લેવલ, હેપેટોસેલ્યુલર કાર્સિનોમા (HCC)ના હાઇ જોખમ સાથે સંકળાયેલું છે કે કેમ તે જોયું. અમને જાણવા મળ્યું છે કે PFASના સંપર્કમાં આવવાથી લીવર કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ HCCનું જોખમ વધી શકે છે.”
આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઑફ પોપ્યુલેશન એન્ડ પબ્લિક હેલ્થ સાયન્સ, કેક સ્કૂલ ઑફ મેડિસિન, યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, લોસ એન્જલસના આસિસ્ટન્ટ પ્રોફેસર, પ્રોફેસર ગુડરીચ વધુમાં જણાવે છે કે રિસર્ચમાં ભાગ લેનારાઓ લીવર કેન્સર થતાં પહેલાં PFASના સંપર્કમાં આવ્યા હતા, આથી તેની શક્યતા વધુ છે કે PFAS તેનું કારણ બની શકે છે.
શું PFAS લિવર કેન્સરનું કારણ બની શકે છે?
PFAS (Per-અને પોલીફ્લોરોઆલ્કલી પદાર્થો) પરસિસટન્ટ પોલ્યુટન્ટનો સામાન્ય વર્ગ છે. નિષ્ણાતો જણાવે છે કે PFASને ફોરેવર કેમિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે કુદરતી રીતે તૂટતા નથી અને તેથી જ એકવાર તેમના સંપર્કમાં આવ્યા પછી ઘણા વર્ષો સુધી આપણા શરીરમાં રહી શકે છે. PFAS નૉન-સ્ટીક પેન, રેઈનકોટ, જીમ એક્સેસરીઝ, ફૂડ પેકેજીંગ અને ભૂગર્ભજળના પ્રદૂષણને કારણે કેટલાક મેકઅપ અને પીવાના પાણી જેવા ઘણા સામાન્ય પદાર્થોમાં પણ જોવા મળે છે. દિલ્હીની મેક્સ હોસ્પિટલ (સાકેત)ના ઓન્કોલોજી/રેડિયેશન ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિયેટ ડિરેક્ટર ડૉ. ડોદુલ મોંડલ જણાવે છે કે આ કેમિકલ ઉત્પાદનોમાં મુખ્યત્વે ટકાઉપણું માટે વપરાય છે કારણ કે તેમની પાસે હંમેશા ટકી શકે તેવો કેમિકલ બોન્ડ છે. “જેમ કે તેઓ નોન-સ્ટીક વાસણોમાં તૈયાર થતી ખાદ્ય સામગ્રી સાથે સીધો સંપર્ક ધરાવે છે, તેઓ સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે. સામાન્ય રીતે, કોઈપણ રાસાયણિક પદાર્થ ડીએનએને નુકસાન પહોંચાડીને સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત કરી શકે છે. જો શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ તે ક્ષતિગ્રસ્ત ડીએનએને દૂર કરવામાં અસમર્થ છે, અને તે લાંબા સમય સુધી આપણા શરીરમાં રહે છે, તો તે કેન્સરમાં ફેરવાઈ શકે છે,”
ફોરએવર કેમિકલ શા માટે ભયજનક છે?
PFASને અંતઃસ્ત્રાવોને વિઘટીત કરનારા રસાયણો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તેઓ ઘણી બધી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને તે માટે હોર્મોન્સમાં દખલ કરી શકે છે. “આ રસાયણો લિવરમાં જમા થઈ શકે છે, જેના કારણે ધીમે ધીમે લિવરમાં ફેટી ચેન્જ પણ લાવે છે. જો તે ચેન્જ લાંબા સમય સુધી થાય છે, તો તે ધીમે ધીમે સિરોસિસ તરફ લઇ જાય છે અને પછી લિવર કેન્સરનું કારણ બની શકે છે,” તે કહે છે.
પ્રો. ડૉ. ટોમ ચેરિયન કે જેઓ મણિપાલ હોસ્પિટલ્સ, વિજયવાડાના સિનિયર લિવર સ્પેશિયાલિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે અને સાઉથ એશિયન લિવર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક કહે છે, જો કે, ફોરએવર કેમિકલના કારણે આ કિસ્સાઓ હેપેટાઇટિસ (લિવરની બળતરા)ની સરખામણીમાં ઘણા ઓછા છે. “ફેટ કોઈ પણ ઈજાનો એક પ્રકારનો પ્રતિભાવ છે. તે સામાન્ય છે. આલ્કોહોલથી થતા નુકસાનને કારણે ફેટી લીવર પણ હોઈ શકે છે,” તે કહે છે.
ડૉ. મોંડલ વધુ પુરાવા ઉમેરતા જણાવે છે કે નૉન-સ્ટીક રસોડાનાં વાસણો કેન્સરનું કારણ બની શકે છે તે સાબિત કરવા માટે ડેટાની જરૂર છે. IARC (ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) જેવી કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જે WHOનો ભાગ છે, તે જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે તે પદાર્થોને ઓળખવા માટે એપિડેમોલોજીકલ અભ્યાસ હાથ ધરે છે, તેઓ વધુ ઉમેરતા જણાવે છે કે ” કમનસીબે, અત્યારે આ રાસાયણ અને માનવ કેન્સરના સંબંધ માટે મજબૂત ડેટા અસ્તિત્વમાં નથી, તેમ છતાં કેટલાક અભ્યાસો છે જે કેટલાક જોડાણ દર્શાવે છે”
તેઓ વધુમાં જણાવે છે કે આ રસાયણ સામાન્ય રીતે ટેસ્ટિક્યુલર કેન્સર અને કિડની કેન્સર સાથે સંકળાયેલા છે. “તેઓ અંડાશય, ગર્ભાશય, થાઇરોઇડ અને નૉન-હોજકીન લિમ્ફોમા (કેન્સર જે લસિકા તંત્રમાં શરૂ થાય છે) ના કેન્સરનું કારણ બની શકે છે.”
તેમના અભ્યાસમાં, પ્રોફેસર ગુડરિચેએ પણ નોંધ્યું કે શું PFAS એક્સપૉઝર મેટાબોલિટ્સના લેવલમાં તફાવત તરફ દોરી જાય છે (લોહીમાં નાના કુદરતી રસાયણો) જે અગાઉ લીવર કેન્સરનું જોખમ વધારતું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેઓ કહે છે, “આનાથી અમને PFAS કેવી રીતે કેન્સરનું કારણ બની શકે છે તેની સંભવિત પદ્ધતિઓ અંગે જાણવામાં મદદ મળી. અમને જાણવા મળ્યું કે PFAS બ્લડ શુગરના હાઇ લેવલ સાથે સંકળાયેલું છે, અને તે હાઇ બ્લડ શુગર પણ લીવર કેન્સરના જોખમ સાથે સંકળાયેલું છે.
હું મારા લિવરના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકું?
પ્રોફેસર ડૉ. ચેરિયન કહે છે, “જ્યારે વાસણો ખૂબ જ ઘસાઈ જાય છે અને તેમાં તિરાડો પડી જાય છે, ત્યારે આ રસાયણો ગરમ થઈને બહાર નીકળી જવાની શક્યતા વધારે છે. તેથી, કદાચ આપણે કેટલાક કોટેડ વાસણોનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ.”
ડૉ. મોંડલ લોખંડના વાસણો, સિરામિક અથવા સ્ટેનલેસ સ્ટીલ જેવા વર્ષો જૂના પરંપરાગત વાસણોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. પ્રોફેસર ગુડરિચ કહે છે કે એચસીસીના જોખમને ઘટાડવામાં મદદ કરવા માટે વ્યક્તિગત વર્તન અથવા સરકારી નિયમન દ્વારા પીએફએએસના એક્સપોઝરને સુધારી શકાય છે. ડૉ. મોંડલ તારણ આપે છે કે મોટાભાગના દેશોમાં ઉત્પાદન ઉદ્યોગને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ કાયદો નથી, ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોમાં આ રસાયણની હાજરી જાહેર કરવાની પણ જરૂર નથી.
PFAS એક્સપોઝર ઘટાડવા ઉપરાંત, નિયમિત કસરત સાથે હેલ્થી લાઇફ સ્ટાઇલ જાળવવી, ધૂમ્રપાન, આલ્કોહોલ અને જંકફૂડથી દૂર રહેવાથી પણ લીવરના સ્વાસ્થ્યને સુધારવામાં અને કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.
યાદ રાખવા જેવા મુદ્દા
- નૉન-સ્ટીક વાસણોમાં મળતા PFAS જેવા ફોરએવર કેમિકલ લિવર કેન્સર સાથે જોડાયેલા છે.
- PFAS નૉન-સ્ટીક પેન, રેઈનકોટ, જિમ એક્સેસરિઝ, ફૂડ પેકેજીંગ અને ભૂગર્ભજળના પ્રદૂષણને કારણે કેટલાક મેકઅપ તથા પીવાના પાણી જેવા ઘણા સામાન્ય ઉત્પાદનોમાં જોવા મળે છે.
- ફોરેવર કેમિકલ ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે અને હોર્મોન્સમાં દખલ કરી શકે છે, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.
- આ કેમિકલ્સ બ્લડ શુગર વધારી શકે છે, જે લિવર કેન્સરનું જોખમ વધારે છે.
- સાવચેતીના પગલાંઓમાં PFAS એક્સપૉઝર ઘટાડવા, સ્ટેનલેસ સ્ટીલના વાસણો જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો અને કેન્સરનું જોખમ ઘટાડવા માટે હેલ્થી લાઇફ સ્ટાઇલ જાળવવાનો સમાવેશ થાય છે.