શું તમે જાણો છો કે, એક હેલ્ધી ડાયટ તમારી શ્વાસોશ્વાસની ક્રિયાને મજબૂત બનાવવામાં કેવી રીતે મદદરુપ બની શકે ? નિષ્ણાતોના મત મુજબ તમારું રોજનું ભોજન તમારા ફેફસા પર અનેક પ્રકારની અસર પાડે છે. તે તમારા ફેફસાઓની પેશીઓથી માંડીને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ શ્વસન સંબંધિત સમસ્યાઓ સામે કેવી રીતે કાર્ય કરે છે તે તમામ બાબતોને અસર કરે છે.
ઈન્ડિયન સ્પાઈનલ સર્જરી સેન્ટર (ISIC) ન્યૂ દિલ્હી ખાતેનાં ગેસ્ટ્રોએન્ટોરોલોજીનાં વરિષ્ઠ સલાહકાર ડૉ. અંકુર જૈને ભારપૂર્વક જણાવ્યું છે કે,‘એક સંતુલિત આહાર ફેફસાને શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં મદદરુપ તો બને જ છે સાથે જ શ્વસન સંબંધિત જોખમોને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’
તમારા ફેફસા અને ડાયટ : બંને વચ્ચે શું સંબંધ છે?
હૈદરાબાદની યશોદા હોસ્પિટલનાં સિનિયર કન્સલટન્ટ ઈન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટ ડૉ.ગોપી ક્રિષ્ના યેદલાપતિએ આ અંગે ચર્ચા કરતાં જણાવ્યું કે,‘અસ્થમા, ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને ફેફસાનાં કેન્સર જેવી ગંભીર પરિસ્થિતિઓમાં વ્યક્તિનો આહાર ખૂબ જ મહત્વનો બની જાય છે.’ તેઓ સમજાવે છે કે, તમારું ડાયટ તમારા ફેફસાની તંદુરસ્તી માટેનાં જવાબદાર પરિબળોમાં 1/3 જેટલો ભાગ ભજવે છે. તેથી, ઇન્ફેક્શનને અટકાવવા દરરોજ સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે.’
વિટામિન (એ, સી અને ઇ), ખનિજો (મેગ્નેશિયમ અને સેલેનિયમ) અને એન્ટિઑક્સિડન્ટ્સ જેવા આવશ્યક પોષકતત્વોનું પર્યાપ્ત સેવન ફેફસાંના ટિશ્યુઝને તંદુરસ્ત રાખવામાં મદદ કરી શકે છે અને પોલ્યુટન્ટ અને ઝેરને કારણે થતાં ઑક્સિડેટીવ નુકસાન સામે રક્ષણ આપે છે. ડૉ. જૈન સમજાવે છે કે, ‘ફળો, શાકભાજી, આખા ધાન અને હેલ્થી ફેટ્સ જેવા ચોક્કસ આહાર બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. તમારા આહારમાં તેને સામેલ કરીને તમે તમારા શરીરમાં થતી બળતરાને ઘટાડી શકો છો, જે ફેફસાંના વિવિધ રોગોને જન્મ આપવા માટે જવાબદાર છે.’
બેંગ્લોરની સાકરા વર્લ્ડ હૉસ્પિટલનાં પલ્મોનોલોજી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનનાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. સચિન કુમાર કહે છે કે, ‘ફેફસાંને લગતા રોગો, ક્ષયની સમસ્યા અને લાંબા ગાળાના પલ્મોનરી ડિસીઝ જેવા ચેપ ધરાવતા લોકોને ઓછા કાર્બોહાઇડ્રેટ અને ઉચ્ચ પ્રોટીન ધરાવતા આહારનાં સેવનની ભલામણ કરવામાં આવે છે. આ આહાર રાખવા પાછળનું કારણ ફક્ત એટલું જ છે કે, તેમના શરીરમાં પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. આ ઉણપને તે સોયા બીન્સ, ફણગાવેલા કઠોળ વગેરે જેવા આહારને ડાયટમાં સામેલ કરીને દૂર કરી શકે છે.’
તદુપરાંત, રસોઈ બનાવવા માટે વપરાતું તેલ પણ ફેફસાનાં સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ડૉ. યેદલાપતિ કહે છે કે, ‘અમે ડાંગરની ભૂક્કી, ઑલિવ અથવા પામ તેલમાંથી બનેલા તેલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ. આ તેલમાં બનેલી રસોઈમાં શક્તિશાળી એન્ટિઑક્સિડન્ટ ગુણધર્મો હોય છે અને તે ફેક્સા માટે ફાયદાકારક માનવામાં આવે છે.’
ફેફસાંને અનુકૂળ આહાર
અસ્થમા અને COPDની સમસ્યાથી પીડાતા લોકોએ શું ખાવું અને શું ખાવાનું ટાળવું?
ડાયટ ફોર ટીબી
ડૉ. યેદલાપતિ ક્ષય રોગ અને ફંગલ ઇન્ફેક્શન જેવા શ્વસન રોગોથી પીડાતા લોકોને માછલી, ચિકન અને પાતળા માંસ સહિત ઉચ્ચ-પ્રોટીન ધરાવતા ભોજનનું સેવન કરવાની સલાહ આપે છે. તદુપરાંત, તે પ્રોસેસ્ડ માંસનું સેવન ટાળવાની સલાહ પણ આપે છે. તે સામાન્ય રીતે ડાયટમાં ઇંડાનો સમાવેશ કરવાની સલાહ આપે છે કારણ કે, તે પ્રોટીન અને ઓમેગા -3 ફેટી એસિડ્સનો સમૃદ્ધ સ્રોત છે અને કોઈ પણ સરળતાથી તે ખાઈ પણ શકે છે અને મેળવી પણ શકે છે.
ડાયટ ફૉર અસ્થમા
અસ્થમાની બીમારીથી પીડિત લોકો માટે પણ ડૉ. યેદલાપતિએ અમુક વિશેષ ભોજન જણાવ્યું છે. તેમના મતે આ લોકોએ પોતાના ડાયટમાં બીટ અને સફરજન ઉમેરવા જોઇએ. આ સિવાય જો શક્ય હોય તો તેઓએ તેમના ભોજનમાં ઇંડા અને માછલીનો પણ સમાવેશ કરવો જોઈએ. જો ફેક્સાની કોઈ અન્ય સમસ્યાથી પીડાતા હોય તો તેના માટે તમે ડ્રાયફ્રુટને પણ તમારા રોજિંદી ડાયટમાં ઉમેરી શકો છો.
ડૉ. યેદલાપતિ અસ્થમા હોય તે લોકોને કેળા, અનાનસ, કસ્ટર્ડ સફરજન અને લીંબુ જેવા ફળોથી દૂર રહેવાની સલાહ આપે છે. તે સમજાવે છે કે, આ ખોરાક અને તેમાં પણ ખાસ કરીને કેળામાં હિસ્ટિડિન ધરાવતા ચોક્કસ પ્રોટીન હોય છે, જે શરીરમાં મ્યુકસ અને કફ ઉત્પન્ન કરી શકે છે એટલે તેને ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય ચોકલેટ્સ અને તેમાં પણ ખાસ કરીને બ્રાઉન ચોકલેટ્સ ટાળવું જોઇએ.
અમેરિકન લંગ ફાઉન્ડેશન બદામ, કાચા દાણા, સ્વિસ ચાર્ડ, લીલા સરસવ, કેલ, બ્રોકોલી અને હેઝલનટ્સ જેવા વિટામિન ઇ-સમૃદ્ધ આહારની પણ ભલામણ કરે છે. આ આહારમાં ટોકોફેરોલ હોય છે, જે એક સંયોજન છે. તે અસ્થમાના લક્ષણોને ઘટાડવા માટે જાણીતું છે, જેમ કે ઉધરસ.
ડાયટ ફોર COPD
ડૉ. યેદલાપતિના જણાવ્યા અનુસાર COPD ધરાવતા લોકોએ એન્ટિઑક્સિડેન્ટ્સ અને પ્રોટીનથી ભરપૂર આહારની પસંદગી કરવી જોઈએ. ઇંડા, માછલી અને લીન મીટ તેમજ ટામેટાં, કોળા અને બીટરૂટને COPDની સમસ્યાથી ધરાવતા લોકોના આહારમાં ઉમેરી શકાય છે. આ સમયે તેઓએ પ્રોસેસ્ડ મીટનું સેવન ટાળવું જોઈએ. ડૉ. યેદલાપતિ ઉમેરે છે કે, આ લોકોને ચા અથવા કોફી તેમાં પણ ખાસ કરીને ગ્રીન ટીનું લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
ડાયટ ફોર લંગ કેન્સર
જ્યારે ફેફસાના કેન્સરની વાત આવે છે ત્યારે આહારની દ્રષ્ટિએ કોઈ વિરોધાભાસ નથી. જો કે, અમે ફેફસાનાં કેન્સરવાળા લોકોને તમાકુ, આલ્કૉહોલ અને તળેલા તથા સૉલ્ટી ફૂડથી દૂર રહેવા માટે કહીએ છીએ. આ સાથે જ અમે તેઓને ખજૂર જેવા સૂકા મેવાનું સેવન વધારવા માટેનું સૂચન આપીએ છીએ. તે બીમારી સામે લડવામાં મદદ કરશે.
તદુપરાંત, જામા ઑન્કોલૉજીમાં પ્રકાશિત 2019ના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ડાયેટરી ફાઇબર અને દહીંનું સેવન ફેફસાના કેન્સરના ઓછા જોખમ સાથે સંકળાયેલું છે. ડૉ. યેદલાપતિ કહે છે કે, ઘણા લોકો માને છે કે, દહીં અથવા ઘોળવું લાળના ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જો કે આ વાત સાચી નથી. તમારે ફક્ત એ ધ્યાન રાખવાની જરૂર છે કે, તમે જે દહીંનું સેવન કરો છો તે ઠંડુ ન હોય. તેમાં ભરપૂર ખનિજ હોય છે જેમ કે, પૉટેશિયમ અને કેલ્શિયમ. જે ફેફસાંની બીમારીથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.
ફેફસા માટે આ આહારનું સેવન ટાળો
ડૉ. જૈન જણાવે છે કે, અમુક પ્રકારનાં આહાર જો આપણે આપણા રોજિંદા જીવનમાંથી દૂર કરી દઈએ તો આપણાં ફેક્સા લાંબા ગાળા સુધી તંદુરસ્ત રહે છે.
પ્રૉસેસ્ડ અને તળેલા ખાદ્યપદાર્થોઃ
આ પ્રકારના આહારમાં ઘણી વખત બિનઆરોગ્યપ્રદ ટ્રાન્સ ફેટ અને સૉડિયમનું ઊંચું પ્રમાણ જોવા મળે છે, જે શરીરમાં બળતરા ઉદ્દભવવાનું કારણ બની શકે છે. વધુ પડતા મીઠાવાળા આહારનું સેવન કરવાથી ફ્લુઇડ રિટેન્શન અને બ્લડપ્રેશરમાં વધારો થઈ શકે છે, જે વ્યક્તિના ફેફસાંની કામગીરી પર અસર કરવાની શક્યતા ધરાવે છે.
શુગરયુક્ત પીણાં :
સોડા, કેટલાક એનર્જી ડ્રિન્ક્સ વગેરે. આ પીણા શ્વસન સંબંધિત સમસ્યાઓના વધતા જોખમ સાથે જોડાયેલા છે. તેથી, આ પીણાનું સેવન ટાળવું સૌથી સારું છે.
ફૂલ ફેટ ડેરી પ્રૉડક્ટ :
ડૉ. જૈન કહે છે કે, આ પ્રકારના ખોરાક શ્વસન સંબંધિત સમસ્યાઓમાં વધારો અને ફેફસાંની કામગીરીમાં ઘટાડા સાથે સંકળાયેલા છે. લોકોએ તેના બદલે લૉ-ફેટ અથવા નૉન-ફેટ ડેરી ઓપ્શન પસંદ કરવો જોઈએ.
તમને જે આહારથી એલર્જી હોય તે :
ફૂડ એલર્જી શ્વસન સંબંધિત સમસ્યાઓને એક્ટિવ કરી શકે છે અને વ્યક્તિને ફેફસાંની કોઈ ગંભીર સમસ્યા તરફ દોરી શકે છે. આથી તમને જે ખાદ્યપદાર્થોની એલર્જી છે તેને ઓળખીને તમારે તે આહારથી દૂર રહેવુ જોઈએ.
કસરત કરવાથી ફેફસાના સ્વાસ્થ્યમાં કેવી રીતે સુધારો થાય છે ?નારાયણ હેલ્થ, બેન્ગલુરુના પલ્મોનોજીસ્ટ ડૉ. મંજૂનાથ પી. એચ કહે છે કે નિયમિત કસરતથી સ્નાયુઓને વધારે ઑક્સિજન મળે છે, જેનાથી સ્નાયુઓની કાર્યક્ષમતા વધે છે. તેનાથી ફેફસા હેલ્થી બને છે.
સવારે કસરત કરવી કેમ ફાયદાકારક છે?
અસમના 66 વર્ષના સેવાનિવૃત્ત નૌસેના અધિકારી ઉદય ચંદ્ર બર્મનની સવારનું એક ફિક્સ રુટીન ધરાવે છે. જેમાં ગાર્ડનમાં લગભગ 20 મિનિટ સાઇકલ ચલાવવાનું, 20 મિનિટ ઝડપથી ચાલવાનું અને સ્ટ્રેચિંગનો સમાવેશ થાય છે. ઘરે તેઓ લગભગ 40 મિનિટ સુધી પ્રાણાયામ કરે છે. તેમનું કહેવું છે કે તેઓ ભસ્ત્રીકા (ઝડપથી શ્વાસ લેવાનું અને છોડવું), અનુલોમ વિલોમ ( નાકના અલગ અલગ છીદ્રમાંથી શ્વાસ લેવાનું) ભ્રામરી (મધમાખીના ગણગણાટ સાથે શ્વાસ લેવાની ક્રિયા અને કપાલ ભાતી જેવા પ્રાણાયામ ધ્યાનપૂર્વક કરે છે
બર્મન જણાવે છે કે સવારે કસરત બાદ હું આખો દિવસ એનર્જેટિક ફીલ કરે છે. જો હું આ દિનચર્યાનું પાલન નથી કરતો તો મને આળસ આવ્યા કરે.
ડૉ. મંજૂનાથ કહે છે કે સાંજની જગ્યાએ સવારે કસરત કરવું વધારે સારું હોય છે કેમકે આ સમયે હવા સ્વચ્છ હોય છે. તેમણે આગળ એ પણ જણાવ્યું કે શહેરોમાં વાહનોની અવરજવરના કારણે વધારે પ્રદૂષણ થાય છે. જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ તેમ આ સ્થિતિ વધારે ખરાબ થાય છે…
યાદ રાખવા જેવી બાબત
તમારો આહાર અને ફેફસાંની તંદુરસ્તી એકબીજા સાથે જોડાયેલા છે. હેલ્થી ડાયટ માત્ર તમારા શરીરને શ્વસનતંત્રના ચેપ સામે લડવામાં અને અસ્થમા તથા COPD જેવી ફેફસાંની સ્થિતિને નિયંત્રિત કરવામાં જ મદદ કરે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ તે લાંબા સમયથી શરીરમાં ઉદ્દભવતી બળતરાને પણ ઘટાડે છે અને તમને સરળતાથી શ્વાસ લેવામાં પણ મદદ કરે છે.