ગાંધીનગરમાં 10 વર્ષનો એક દિકરો પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો અને તેના પર વાંદરા દ્વારા હુમલો થયો આવ્યો. આ હુમલો એટલો હિંસક હતો કે તેમાં બાળકનું મૃત્યું થયું. જો કે આ કોઇ પહેલી ઘટના નથી કે જ્યાં વાંદરાએ માણસ પર હુમલો કર્યો હોય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO મુજબ પ્રાણીઓના કરડવાથી થતી ઇજામાં, વાંદરાના કરડવાની ઘટનાઓ 2–21% જેટલી હોય છે. જો ભારતની વાત કરીએ તો પ્રાણીઓ દ્વારા માણસો પર હુમલો કરે આવી ઘટનાઓ છાશ વારે સાંભળવા મળતી હોય છે તેમાં પણ શ્વાન બાદ વાંદરા દ્વારા મનુષ્ય પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘણી ઘટનાઓ નોંધાઇ છે. આ અંગે હેપ્પીએસ્ટ હેલ્થ દ્વારા કેટલાક એક્સપર્ટ સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આવી ઘટનાઓ શા માટે બને છે અને તેને રોકવા માટે શું કરી શકાય.
વાંદરાઓ શા માટે હુમલો કરે છે?
વધતા જતા શહેરીકરણથી વાંદરાઓના રહેવા દિવસેને દિવસે ઘટતી જાય છે. સાથે જ ફળ સાથે ઝાડના પાન પણ આરોગનારા વાંદરાઓ માટે પોતાના માટે ખોરાક શોધવો એ પણ એક સમસ્યા બની રહી છે. આ અંગે ગાંધીનગર ફોરેસ્ટ ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડૉ. ચંદ્રેશકુમાર શાનદ્રે જણાવે છે કે, “સંવનનની મોસમમાં ટોળામાં રહેવા ટેવાયેલું પ્રાણી વાંદરાઓ આક્રમક બની શકે છે. સામાન્ય રીતે, વાંદરાના ટોળાનો નેતા એટલે નર વાંદરો બીટા મેઇલ એટલે કે નાના નર વાંદરાઓને બહાર કાઢે છે, જેના પરિણામે તેઓ આક્રમક બને છે. બાદમાં, સમય જતાં આ બીટા મેઇલ મોટા થાય છે ત્યારે ટોળાના નર વાંદરાને બહાર કાઢી શકે છે, અને આક્રમકતાનું ચક્ર ચાલુ રહે છે. તદુપરાંત, પોતાના નાના બચ્ચા માટે માદા અત્યંત રક્ષણાત્મક બની શકે છે. કોઇ પણ સ્થિતિમાં તે અસુરક્ષા અનુભવે તો હુમલો કરી શકે છે. આ આક્રમક વર્તણૂક તરફ દોરી જાય છે, અને જે માણસો રસ્તામાં આવે છે તેઓ કરડી શકે છે.”
અમદાવાદના જાણિતા અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના એડવાઇઝર અને પશુચિકિત્સક ડૉ. આર. સાહુ વધુમાં જણાવે છે, “જ્યારે વાંદરાઓ માણસોના કારણે કોઇ અકસ્માત થયો હોય, ત્યારે તેઓ માણસોથી ડરી શકે છે. પછી પોતાની તેઓ મનુષ્યો પર હુમલો કરવા માટે વધુ સંવેદનશીલ બને છે.” આ ઉપરાંત, દિવાળી દરમ્યાન મોટા અવાજ પણ વાંદરાઓને વધુ રિએક્ટીવ બની શકે છે.
વાંદરાના કરડવાથી કયા રોગ થઇ શકે ?
જ્યારે પણ વાંદરો હુમલો કરે છે ત્યારે વ્યક્તિની ત્વચા પર ઉજરડા પડે છે અથવા જો ઉંડો ઘા પડી શકે. આ ઉજરડા અને ઘાના કારણે ગંભીર બિમારીઓ થઇ શકે. અમદાવાદના ડૉ. મોના દેસાઇ કે જેઓ એમ.ડી. પિડીયાસ્ટ્રીશિયન એટલે કે બાળરોગ નિષ્ણાંત છે તેઓ જણાવે છે કે જો કોઇ વાંદરાએ હુમલો કર્યો હોય તો તે વ્યક્તિને રેબિસ થઇ શકે છે. રેબિસ ખૂબ જ સરળતાથી વાંદરામાંથી મનુષ્યમાં ફેલાતો રોગ છે. આથી જ્યારે પણ આવી કોઇ પણ ઘટના ઘટે ત્યારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.
મોટી સંખ્યામાં મકાક વાંદરાઓ, જે સામાન્ય રીતે ભારતમાં જોવા મળે છે, હર્પીસ બી વાયરસનું વાહક છે. તે મોટે ભાગે એસિમ્પટમેટિક હોય છે અને જો સારવાર ન કરવામાં આવે તો તેનો મૃત્યુદર ઊંચો હોય છે. આ ઉપરાંત, બચી ગયેલા લોકોને આ સ્થિતિના પરિણામે લાંબા ગાળે વિકલાંગતા જોવા મળી શકે છે.
વાંદરાના કરડવાથી કેવી રીતે બચવું?
ડૉ. ચંદ્રેશકુમાર શાનદ્રે જણાવે છે, “વાંદરો ડરી જવાથી એકલો પણ હુમલો કરે છે. તે સુરક્ષિત રહેવા માટે 80-100 ફૂટનું અંતર જાળવવું જોઇએ. કેટલાક વિસ્તારોમાં વાંદરાઓને મનુષ્ય દ્વારા સરળતાથી ભોજન મળે છે. આથી જ્યારે તેઓ કોઇ પણ વ્યક્તિને ખાવાની વસ્તુઓ સાથે જૂઓ છે તેઓને લાગે છે કે આ વ્યક્તિ પણ તેમને ખાદ્યપદાર્થ આપશે આથી મનુષ્યની નજીક ધસી આવે છે. ડૉ. સાહુ આ અંગે જણાવે છે કે, “વાંદરો બુદ્ધિશાળી જીવ છે. જો તેઓ જાણતા હોય કે તેઓ મુલાકાતીઓ પાસેથી ખોરાક મેળવે છે, તો તેઓ તેને અન્યત્ર શોધવાનું બંધ કરે છે. જો કે, જો કોઈ વાંદરાઓને ખવડાવતા અથવા કનડગત કરતાં પકડાય તો તેને વન્યજીવ સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવી શકે.
વાંદરો કરડે ત્યારે શું કરવું?
વાંદરાના કરડવાને હળવાશથી ન લેવો જોઈએ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, યુ.એસ. અનુસાર, વ્યક્તિએ ખંજવાળ અથવા ડંખના ઘાને સાબુથી સારી રીતે ધોવા જોઈએ અને તરત જ તબીબી સારવાર લેવી જોઈએ. ડૉ. દેસાઈ ઉમેરે છે, “વાંદરાના કરડ્યા પછી હડકવા માટે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, જો તમને છેલ્લા પાંચ વર્ષમાં તેની સામે રસી ન અપાઈ હોય તો ટિટાનસ ઇન્જેક્શન લો.”