ઊંઘ સાથે જોડાયેલી ઘણી ગેરમાન્યતાઓ છે, જે વિશ્વભરમાં સાંભળવા મળે છે, જે અજાણતાં જ તમને ગેરમાર્ગે દોરે છે. તેથી, આ ગેરસમજણોને દૂર કરવી મહત્વપૂર્ણ છે. અમે આ અંગે તાજેતરના હેપ્પીએસ્ટ હેલ્થ દ્વારા આયોજિત એ જ ઓફ ન્યુટ્રિશન સમિટ-૨૦૨૩માં નિષ્ણાતો સાથે વાત કરી હતી, જેથી ઊંઘ સાથે જોડાયેલી ગેરમાન્યતા અને હકીકતો વિશે જાણી શકાય.
ઊંઘ વિશેની આઠ ગેરમાન્યતાઓ અને હકીકતો
૧. ગેરમાન્યતા: સ્નૂઝ બટન દબાવવાથી તમને વધુ ઊંઘ આવે છે.
હકીકત: તેનાથી કોઈ ફાયદો નહીં થાય
બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલના મેનિપલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટના હેડ એન્ડ કન્સલ્ટન્ટ – પલ્મોનોલોજી, સ્લીપ મેડિસિન, લંગ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. સત્યનારાયણ મૈસુરે જણાવ્યું હતું કે, સેટ કરેલા એલાર્મને વળગી રહેવું અને તે જ સમયે જાગવું મહત્વપૂર્ણ છે કારણ કે, સ્નૂઝ બટન દબાવવાથી વધુ ઊંઘ લેવામાં મદદ મળશે નહીં.
તે જણાવે છે કે, ‘અમારી પાસે સ્લીપ કંટ્રોલ થેરેપી છે, જ્યાં અમે ઊંઘ સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોને બિનજરૂરી ઊંઘને કેવી રીતે ટાળવી તેની સલાહ આપીએ છીએ. જો કોઈએ કોઈ ચોક્કસ સમય માટે એલાર્મ સેટ કર્યું હોય, તો તેણે તે સમયને વળગી રહેવું જોઈએ અને સ્નૂઝ બટન દબાવ્યા વિના નક્કી કરેલા સમયે જ જાગવું જોઈએ.’
૨. ગેરમાન્યતા: સૂતાં પહેલાં દૂધ ન પીવું જોઈએ.
હકીકત: સૂતા પહેલા ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.
ઘણા લોકોને સૂતા પહેલા દૂધ પીવાની આદત હોય છે પરંતુ, તેમની આસપાસના લોકો કે પછી તેમના પરિવારનાં સભ્યો તેને સૂતા પહેલા દૂધ ન પીવાની સલાહો આપતા હોય છે. જોકે, ઊંઘ વિશેની હકીકતો જણાવતાં ડૉકટરો સૂચવે છે કે, સૂતા પહેલા ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.
ડો.પડીગલ કહે છે કે, ‘દૂધમાં ટ્રિપ્ટોફન નામનો એક પદાર્થ હોય છે કે, જે એક કમ્પાઉન્ડ છે. તે વ્યક્તિને ઊંઘાડી શકે છે. જોકે, દરેકને તેનાથી ઊંઘ આવતી નથી પરંતુ, મોટાભાગનાં લોકો પર તે અસર કરે છે. ટ્રિપ્ટોફન તમારા શરીરમાં મેલાટોનિનનું પ્રમાણ વધારે છે, જે એક હોર્મોન છે. તે તમારા શરીરમાં સર્કાડિયન રિધમને નિયંત્રિત કરે છે કે, જે ઊંઘ લાવવા માટે જવાબદાર છે.’ આ વાતને આગળ વધારતાં તેમણે ઉમેર્યું હતું કે, ‘ગરમ દૂધ એક એવી વસ્તુ છે કે, જે તે લોકોને સૂતા પહેલા પીવાની સલાહ પણ આપે છે.’
૩. ગેરમાન્યતા : જ્યારે તમે સૂઈ શકતા ન હો ત્યારે આંખો બંધ કરીને પથારીમાં સૂતુ રહેવું શ્રેષ્ઠ છે.
હકીકત: માત્ર આંખો બંધ રાખવાથી ઊંઘમાં મદદ નહીં મળે
ઊંઘ ન આવે ત્યારે તમારી આંખો બંધ રાખવાથી તમને ઉંઘ આવવામાં કોઈપણ પ્રકારની મદદ મળશે નહીં. ડૉ.સત્યનારાયણે આ વાતને વધુ વિસ્તારપૂર્વક સમજાવતા જણાવ્યું કે, ‘જો તમે 20થી 30 મિનિટ કરતા પણ વધુ સમયથી સૂવા માટે ખૂબ જ સખત પ્રયાસ કરી રહ્યા છો અને હજી પણ સૂઈ શકતા નથી, તો તમારે પથારીમાંથી ઊભા થઈને ઊંઘ ન આવવાના વિચારોના તણાવથી મુક્ત થવાની જરૂર છે.’
તેઓ જણાવે છે કે, ‘આ સમયે વ્યક્તિ મોબાઈલ કે અન્ય કોઈપણ પ્રકારનાં ગેજેટનો ઉપયોગ કર્યા વિના સંગીત સાંભળવાનો પ્રયાસ કરી શકે છે, ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી શકે છે કે પછી પોતાની મનપસંદ કોઈ પુસ્તક પણ વાંચી શકે છે. આ પ્રવૃતિઓ દરમિયાન જ્યારે એવુ લાગે કે હવે ઊંઘ આવે છે ત્યારે બેડ પર જઈને સૂવાનો પ્રયાસ કરે તો તે સારી ઊંઘ લઈ શકે છે.’
૪. ગેરમાન્યતા: અડધી રાતે નાસ્તો કરવો યોગ્ય છે
હકીકત: અડધી રાતે નાસ્તો કરવો યોગ્ય નથી
ડૉ. પડીગલ કહે છે કે, રાત્રે ઊઠવું અને કંઈ ખાવાની ઇચ્છા થવી એ તમારા સ્વાસ્થ્ય માટે સારો સંકેત નથી. સામાન્ય રીતે આ સંકેત તમને કોઈ બીમારી હોવાનો નિર્દેશ કરે છે. આ સંકેત તમને ડાયાબિટીસ કે પછી ઈટિંગ ડિસઓર્ડર હોવાની સંભાવના દર્શાવે છે.
તેમણે કહ્યું કે, સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યા સુધીમાં તમારે જે કંઈપણ ખાવુ હોય તે ખાઈ લેવું જોઈએ અને ફરીથી ખાવા માટે અડધી રાત્રે ઉઠવું જોઈએ નહીં. આ સંકેત માત્ર એક રોગનો જ સંકેત નથી આપતું પરંતુ, તેના કારણે તમારી સૂવાની અને ઊઠવાના સમયમાં પણ ખલેલ પહોંચે છે. આ સિવાય તે સ્થૂળતાનું કારણ પણ બને છે. ડો. પડીગલે ચેતવણી આપતા કહ્યું કે, ‘જો તમને દરરોજ રાતે ઊઠીને ખાવાની ઈચ્છા થતી હોય તો તે ખૂબ જ ગંભીર સમસ્યા છે અને તેનું તાત્કાલિક નિદાન કરાવવું જરુરી છે.’
૫. ગેરમાન્યતા: લાઈટ ચાલુ રાખીને સૂવું હાનિકારક છે.
હકીકત: લાઈટ સાથે સૂવાની આદત એ તમને ખલેલ પહોંચાડી શકે છે
જો સૂતા સમયે લાઈટનું એક કિરણ પણ તમારી આંખ પર ન પડતું હોય તો તમે સારી એવી ઊંઘ લઈ શકો છો એવું નિષ્ણાતો કહે છે. આ વાતને આગળ વધારતાં ડૉ. સત્યનારાયણ કહે છે કે, ‘જો કોઈને અંધારાથી ડર લાગતો હોય અને તેના કારણે રુમમાં લાઈટ ચાલુ રાખીને સૂવે તો તે કંઈ ખોટું નથી પણ આ લાઈટનું પ્રમાણ ન્યૂનતમ હોવું જોઈએ એટલે કે તે આંખમાં ખૂંચે તેટલી તેજ ન હોવી જોઈએ.’
૬. ગેરમાન્યતાઃ સૂતાં પહેલાં ભરપેટ ભોજન લો
હકીકત: સૂતા પહેલા શક્ય તેટલું ઓછું ભોજન લો
એક કહેવત છે કે, ‘રાજાની જેમ નાસ્તો કરો અને દરિદ્રની જેમ રાત્રિભોજન લો.’ આ કહેવતથી વાતનો મર્મ સમજાવતા ડૉ. પડીગલ જણાવે છે કે, ‘રાતના સમયે શક્ય બને તો તૈલીય કે ચીકણું ભોજન ખાવાનું ટાળવું જોઈએ કારણ કે, તેના કારણે તમે ગેસ્ટ્રિક અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓના શિકાર બની શકો છો અને તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.’
સારી ઊંઘ લેવા માટેની હકીકત એ છે કે, રાત્રે એકદમ હળવું ભોજન લેવું તથા આ ભોજન અને ઊંઘના સમય વચ્ચે એક સારો એવો અંતરાલ રાખવો એમ ડૉ. પડીગલે કહ્યું હતું. આ અંગે વધુ ચર્ચા કરતા તે જણાવે છે કે, ‘સામાન્ય રીતે ભારતમાં આ પ્રકારની જીવનશૈલી જોવા મળતી હોય છે કે, રાતે લોકો ભારે ભોજન લેતા હોય છે અને ભોજન કરીને તુરંત જ સૂઈ જતા હોય છે. જોકે, તેમની આ પ્રકારની જીવનશૈલી તેમને અનેક પ્રકારનાં ગંભીર રોગોનો શિકાર બનાવી શકે છે.’
૭. ગેરમાન્યતા: સૂવા માટે બેડરૂમનું ગરમ તાપમાન શ્રેષ્ઠ છે
હકીકત: બેડરૂમનું ગરમ તાપમાન તમને ઊંઘવામાં મદદ કરતું નથી
ડૉ. સત્યનારાયણ કહે છે કે, ‘આદર્શ રીતે, ઓરડાનું તાપમાન બહારના કે આસપાસના તાપમાન કરતા થોડું ઠંડું હોવું જોઈએ, જેથી કોઈપણ વ્યક્તિ શાંતિથી ઊંઘ લઈ શકે. આ તાપમાન બહારના કે આસપાસના તાપમાન કરતાં 1થી 2 ડિગ્રી ઓછું હોવું જોઈએ. આનાથી તમને વધુ સારી રીતે ઊંઘવામાં મદદ મળશે. આ વિચાર વૈજ્ઞાનિક રીતે સાબિત પણ થયેલો છે અને સારી ઊંઘ લાવવામાં મદદરુપ પણ સાબિત થયો છે.’
૮. ગેરમાન્યતા: સૂતા પહેલા આલ્કોહોલ લેવાથી ઊંઘ સારી આવે છે.
હકીકત: સૂતા પહેલા આલ્કોહોલનું સેવન તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.
બેંગ્લોરની ફોર્ટિસ હોસ્પિટલનાં પલ્મોનરી એન્ડ સ્લીપ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ અને ડિરેક્ટર ડો.વિવેક પડીગલ કહે છે કે, ‘આલ્કોહોલનું સેવન કર્યા બાદ શરુઆતમાં તમને ઊંઘ આવતી હોય તેવું લાગશે પણ તેના સેવનથી શરીરમાં થતી એસિડિક પ્રક્રિયા તમને સરખી રીતે સૂવા દેશે નહી. જ્યારે પણ કોઈ આલ્કોહોલનું સેવન કરીને પથારીમાં જાય છે ત્યારે તે ક્યારેય તાજગીસભર જાગતું નથી. તેનું કારણ એ છે કે, આલ્કોહોલ શામક પદાર્થ છે અને તેના સેવનથી તમારા શરીરમાં બળતરા ઉદ્દભવે છે, જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. જો તમને ઊંઘમાં તકલીફ પડતી હોય તો તમારે આલ્કોહોલથી દૂર રહેવાની જરૂર છે.’